- Fri, May 29, 2020
vyaapaarsamachar.com
રાજકોટ: મૂળ લોધીકા તાલુકાનાં ચિભડા ગામનાં અને હાલ જૂના મોરબી રોડ પરનાં કોઢીયારપરા શેરી નંબર ૪માં રહેતાં નિરવ બાબુભાઈ ભાડુકીયા નામનાં ૨૭ વર્ષનાં પટેલ યુવાને ગઈકાલે રાત્રે ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. ચાંદી કામથી મજૂરી કરતાં આ યુવાને લોક ડાઉનને કારણે છેલ્લા દોઢેક માસથી બેકાર બની જતાં કંટાળીને આ પગલું ભરી લીધાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસ તરફથી જાણવા મળ્યા પ્રમાણે, નિરવ છેલ્લા પાંચેક વર્ષથી ખોડિયારપરા - ૨માં તેનાં મોટાભાઈ હિરેન સાથે રહેતો હતો.બંને ભાઈઓ ચાંદી કામથી મજુરી કરતાં હતાં. મકાનનાં ઉપરનાં માળે રહેતાં નિરવે ગઈકાલે રાત્રે ઘઉંમાં નાખવાનાં ટિકડા ખાઈ લીધા બાદ ભાઈને જાણ કરતાં તેને કુવાડવા રોડ પરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. એન્ટ્રી મળતાં બી.ડિવિઝન એએસઆઈ પવારે ત્યાં જઈ કેમ ઝેરી દવા પીધી તેમ પુછતાં નિરવે બેકારીથી કંટાળી ગયો છું એટલું જ કહ્યું હતું.
ત્યારબાદ તેને બીજી ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી લઈ આવતા ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યો હતો. તેનાં પરિવારજનોએ પોલીસને કહ્યું કે છેલ્લા દોઢેક માસથી લોક ડાઉનને કારણે કામ ધંધા બંધ થઈ જતાં નિરવ આર્થિક ભીંસમાં સપડાઈ ગયો હતો. જેનાતી કંટાળી તેણે આ પગલું ભરી લીધું છે. તે બે ભાઈમાં નાનો અને અપરિણીત હતો. તેનાં પિતાં ખેતી કરે છે. તેનાં અણધાર્યામોતથી પટેલ પરિવારમાં કલ્પાંત મચી ગયો હતો.