- અમરાઈવાડીની ઘટના, ખાનગી ડૉક્ટરની દવા છતાં સાજો ન થતાં ગુમસૂમ રહેતો હતો
દિવ્ય ભાસ્કર
Jun 29, 2020, 06:42 AM ISTઅમદાવાદ. કોરોનાનો કેર એટલો વધી ગયો છે કે ઘણા લોકો સામાન્ય બીમાર પડે તો પણ તેમને ચિંતા થઈ જાય છે કે ક્યાંક કોરોના તો નથી થઈ ગયોને !. અમરાઈવાડીમા એક યુવાનને દસ દિવસથી તાવ આવતો હતો, જેથી કોરોના વાઈરસ થઈ ગયાના ભયથી પીડાતા યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
અમરાઈવાડીના લાલ બંગલા પાસે એકતા એપાર્ટમેન્ટમાં રહેતા મહેશકુમાર પંચાલે ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. બનાવની જાણ થતાં અમરાઈવાડી પોલીસ તેમના ઘરે ગઈ હતી. જ્યાં પરિવારજનો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે, મહેશ પંચાલને છેલ્લા 10 દિવસથી તાવ આવતો હતો. જે અંગે ખાનગી ડોક્ટરની દવા કરી હતી.જોકે સારવાર બાદ પણ તેમની તબિયતમાં કોઈ સુધારો જણાયો ન હતો. દરમિયાન તેમને મનમાં એવો ભય પેસી ગયો હતો કે તેમને કોરોના થઈ ગયો છે.જેને લઈને તે ગુમસુમ રહેતા હતા. આ સંજોગોમાં તેમણે કોરોના વાઈરસના ભયથી ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણી દીધો હતો. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર તેમના પત્ની કોઈક કારણોસર રિસાઈને પિયર ચાલી ગઈ હતી. આત્મહત્યા પાછળ બીજું કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.