- મેઘાણીનગરમાં યુવક પૈસાની તંગીના કારણે તણાવમાં હતો
- ઘરમાં કોઈ ન હતું ત્યારે પંખામાં દોરી બાંધી આત્મહત્યા કરી
દિવ્ય ભાસ્કર
Jun 01, 2020, 07:44 AM ISTઅમદાવાદ. મેઘાણીનગરમાં એક યુવાને આર્થિક તંગીના કારણે આપઘાત કર્યો હતો. 44 વર્ષીય યુવકને લૉકડાઉન હોવાથી આવક બંધ થઈ હતી અને માનસિક તણાવમાં આવી જઈને શનિવારે પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
મેઘાણીનગરના નેતાજીનગરમાં રહેતા નીલેશ શાહ ડી.જે સાઉન્ડનો ધંધો કરતા હતા.જોકે છ મહિનાથી ડી.જે સાઉન્ડનો ધંધો બરાબર ચાલતો ન હતો અને લૉકડાઉનના કારણે ધંધો ઠપ થઈ ગયો હતો. આવકનું કોઈ સાધન બચ્યું ન હતું, જેના કારણે ઘરમાં આર્થીક રીતે તંગી પડવા લાગી હતી જેથી નીલેશભાઈ ટેન્શનમાં આવી ગયા હતા.
દરમિયાન શનિવારે બપોરેે ઘરમાં કોઈ ન હતું, તેનો ફાયદો ઉઠાવીને નીલેશ શાહે રૂમમાં પંખા સાથે દોરી બાંધીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જોકે આ ઘટનાની જાણ નીલેશના મામી મીનાબેનને થતા તેમણે મેઘાણીનગર પોલીસને ઘટનાની જાણ કરી હતી, જેથી પોલીસ ઘટના સ્થળ દોડી આવી હતી અને નીલેશના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો. ત્યારબાદ પોલીસે મીનાબેનની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, લૉકડાઉનમાં આવકનું કોઈ સાધન ન હોવાથી પૈસાની તંગીમાં આ પગલું ભર્યું હતું.
પૈસાની તંગીના કારણે શહેરમાં બે દિવસમાં આત્મહત્યાની બીજી ઘટના
લોકડાઉન વચ્ચે આત્મહત્યા કરવાની બે દિવસમાં આ બીજી ઘટના બની છે. ગત 28 તારીખે અમરાઈવાડી વિસ્તારની માણેકલાલની ચાલીમાં રહેતા વિજય પ્રતાપજી ચૌહાણ લોકડાઉન હોવાના કારણે છેલ્લા બે મહિનાથી ઘરે હતો અને નોકરીએ પણ જતો ન હતો, જેથી નોકરી જવાની બીક પણ હતી. આ બાબતને લઈને તણાવમાં આવીને તેણે ઘરમાં પંખાના હુકમાં દોરી બાંધી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.